છાપેલા શબ્દોનો જે પ્રવાહ સામયિકોમાં વહેતો રહે છે, તેમાંથી જરાક જેટલું ઉત્તમ તારવીને જાળવી રાખવાનો પ્રયાસ ‘મિલાપ’ માસિક (1950-1978) કરતું. પણ અંતે તો એ પોતે પણ એક સામયિક જ ને? એનાં તારવેલાં લખાણોયે પાછાં કાળના પૂરમાં તણાવા લાગે. તેથી એકાદ દાયકાને ટીંબે જરા થંભીને ‘મિલાપ’ના અંકોમાંથી પણ પાણીદાર મોતી જેવાં થોડાંક લખાણો વીણીને પુસ્તકરૂપે તેને સાચવવાની હોંશ રહેતી. પરિણામે 1951થી 1960ના દાયકાના ‘મિલાપ’ના અંકોમાંથી ચૂંટી કાઢેલાં લખાણોનો લગભગ 250 પાનાંનો સંગ્રહ ‘દાયકાનું યાદગાર વાચન’ 1966માં પ્રગટ કરેલો. તેમાં પોણોસોએક લેખકોની નેવું જેટલી કૃતિઓ હતી, જે વાચકો હજી પણ માણી શકે એવી લાગેલી.